ઝાલાવાડનું હળવદ બ્રાહ્મણ અને પાળીયા થી જાણીતું છે . આ હળવદની દક્ષિણ દિશાએ થોડે દૂર પાંડાતીરથને માર્ગેથી આજથી લગભગ બસો વર્ષ પુર્વે સોનીઓની સમહુ જાન ઝાઝા થોડાં નહીં પણ એકવીશ વરરાજાઓ બ્રાહ્મણીના પાણી પીનાર કન્યાઓને વરીને આવે છે . કોડ ભર્યા એ યુગલો ને પોરસાતા જાનૈયા સુરજ મારાજ પણ રન્નાદે ની યાદ રતુંબડા થયાં . સાંજ ઢળી આ નાનીધાર વટાવી એટલે એ દેખાય શરણેશ્વર ની શેરી ઘર ને માઢ મેડિ જાનડીયુએ શરૂ કર્યું હશે અમે ઇડરીયો ગઢ જીત્યા રે …
ત્યાં ધાર પાછળ થી પચ્ચીસ ત્રીસ બુકાનીદાર બહારવટીયા આવી ચડ્યા , અને પડકારો નાખ્યો જે હોય તે કાઢી દો ’ એ ને રાતી આંખો . ને નાગી તલવારો , ધારીયા ને જામગરીના તણખા ઝરતા હતા . જોરતલાબીનો જમાનો હતો પણ ધરતી શુરવીરો ની ટેક ખાતર ખુમારી ખાતર ખુવાર થવું તે વિતેલા જમાનાની તાસીર હતી .
જાનના માણસો એ સામો પડકારો નાખ્યો વરરાજા એ તલવારો તાણી અને એ નાનકડી ધારના લાલ રંગમાં સાંજ વિલાઈ ગઈ . અગિયાર મીઢોળબંધા જુવાનો અને સાથે દસ મિત્રો બીજા લગ્ન ઉજવવા સ્વર્ગે હાલી નીકળ્યા . એમની વિરતા ને વટની નિશાની જેવાં એકવીશ પાળીયા સોનારકાની ધાર માથે આજે પણ ઉભાં છે . ધારનું નામ પડયું સોનરકાની ધાર ...
એક કથા ને એકવીશ પાળીયા સોનારકાની ધાર બાજુમાં સ્વર્ગને ઝીલતી નાની તલાવડી કુવો ને બાવળની આછી કાંટય વિતેલાં ભુતકાળ ને યાદ કરી ઝુરે છે ને પેલી કોડીલી કન્યાઓ આ તલાવડી ના નીરમાં માછલી ના રૂપ લઈ દર ચોમાસે અવતરે છે ને ઉનાળે ભરખાય જાય છે .
સોની જ્ઞાતિ નું આ પુનિત પાવન સ્થળ સુવિખ્યાત છે . અહીંયા સતીઓના સતીત્વની , ત્યાગીઓના ત્યાગની , શુરાઓના સ્મરોણોની અમર કથાઓ ગુથાયેલી છે . જાગૃત સ્થળો દેરીબદ્ધ થયાં છે . કયાંક પાળીયાઓ સિંધુરીયા થયાં છે , કોઈ સિંધુરીયા થવાની રાહ જોતા તળાવ પાળે ભુમીતળે રહી ગયેલા છે .
ધન્ય ધરા અમ દેશની જ્યાં રતન પાકતા આવાં ..