એક હજાર વર્ષ પૂર્વે, એક દિવસ સાંજે, પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાએાએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી, વિસામો ખાવા બેઠા. હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભુજ-દંડ હતા. લોઢાના થંભ જેવી બળવાન કાયાઓ હતી. વેંત વેંતનાં કપાળ ઝગારા કરતાં હતાં. એકની આંખમાંથી તેજનાં ભાલાં છુટતાં હતાં. બીજાની આંખો અંધ હતી. અંધ વેરાગીને માથે ને મોઢે ધોળા રેશમ જેવી સુંવાળી લટો ચમકતી હતી. બન્ને બેઠા સ્નાન કરવા લાગ્યા.
નજીકમાં એક ઘોડેસવાર પોતાની ઘોડીને પાણી ઘેરતો હતેા. 'ત્રો ! ત્રો ! બાપ્પો બાપ્પો !' એવા નોખનોખા દોર કાઢીને ઘોડેસવાર ઘોડીને પાણી પીવા લલચાવતો હતો.
ઘોડીએ બે પહાડ જેવા બાવાએાનાં ભગવાં લૂગડાં જોયાં; ચમકવા લાગી, કેમેય માની નહિ. ઘોડેસવારે પીઠ થાબડી, ગરદન થાબડી; છતાંય ઘોડી ટાઢી ન પડી. એટલે એણે ફડાક ! ફડાક ! ફડાક ! એમ ત્રણ કુમચીના ઘા ઘોડીના અંગ પર ચોડી દીધા.
“અરરર !” અન્ધ બાવાના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. “ગજબ કર્યો આ ઘોડેસવારે ! આ ઘેાડી જો મારી હોત, તો હું ઘોડેસવારને જાનથી મારત.”
“કેમ, મોટા ભાઈ?” નાનાએ પૂછ્યું. “આ સભર ઘોડીના પેટમાં કેવો રૂડો પંચકલ્યાણી વછેરો છે ! આ નાલાયકે ચાબૂક મારીને એ વછેરાની ડાબી આંખ ફોડી નાખી; બહુ કરી !”
બાવાએાની વાતો સાંભળીને ઘોડીનો ખાસદાર થંભી ગયો. ઘોડીને દોરીને એ નગરમાં ગયો. જઈને એણે રાજાજીને સરોવરને કાંઠે બેઠેલા એ ચમત્કારી અંધ બાવાની વાત કહી.
વનરાજ ચાવડાના વંશનો છેલ્લો દીવો તે વખતે અણહિલપુર પાટણના સિંહાસન ઉપર ઝાંખો બળતો હતો. એનું નામ સામંતસિંહજી ચાવડો. સરોવરની પાળેથી એણે બાવાએાને દરબારમાં બોલાવ્યા. પૂછવામાં આવ્યું કે શી હકીકત બની.
“રાજા, તમારા ખાસદારે તમારી સભર ઘોડીના પેટ પર ચાબુક મારીને માંહી બેઠેલા પંચકલ્યાણી વછેરાની રતન સરખી ડાબી આંખ ફોડી નાખી. આખો ભવ એ વછેરો બાડો રહેશે.”
“શી રીતે જાણ્યું ?”
“વિદ્યાથી.”
“ખોટું પડે તો ?”
“મારી વિદ્યાની આબરૂને સાટે મારું માથું જ હું હમેશાં હોડમાં મૂકું છું. વિદ્યા ખોટી પડે તો જીવતરમાં શું રહ્યું !”
“માથું વાઢી લઈશ, હો ?”
“રજપૂત અને સાધુ માથાં હાથમાં લઈને જ ફરે છે, અને સ્વહસ્તે પણ વધેરી આપે છે.”
“આંહી તમારે રહેવું પડશે. આઠ દિવસમાં ઘેાડી ઠાણ દેવાની છે.”
“ કબૂલ છે, પણ સાચું પડે તો ?” “તો અરધું રાજપાટ અને મારી બહેન આપું.”
આઠમે દિવસે ઘોડીએ ઠાણ દીધું. આખી કચેરી જોવા મળી. અઢારે આલમ ટાંપીને બેઠી હતી. ત્યાં તો ગામમાં રણકાર ઊઠ્યો કે જોગીનાં વેણ સાચાં પડ્યાં ! સાચાં પડ્યાં !
રાજાએ પૂછ્યું : “જાદુગર છો ? ત્રિકાળજ્ઞાની છો ?”
“ના બાપ !” અંધ બાવો કહે : “જાદુગરેય નથી, ને. ત્રિકાળજ્ઞાનીયે નથી. શાળહોત્ર[૧]ગ્રંથ ભણ્યો છું. આંખો નથી એટલે અવાજ ઉકેલું છું. ફડાકો બેાલ્યો હતો તેનો અવાજ પારખીને ઘોડીના પેટની વાત વાંચી.”
રાણીવાસમાંથી કચેરીમાં કહેણ આવ્યાં કે સોનાબાએ એવા આંધળા ને બુઢ્ઢા જોગીની સાથે પરણવાની ના પાડી છે. તે વખતે જોગી પ્રગટ થયા: ટૂંકટોડા રાજના ધણી બે સોંલકી ભાઈઓ: નામે બીજ અને રાજ : ગોત્રહત્યા લાગેલી તેનું પ્રાયશ્ચિત્ત લેવા ગંગાજળની કાવડ ઉપાડી દ્વારકા રણછોડરાયજીને નવરાવવા જતા હતા. સોલંકી જેવું ઊંચું કુળ મળવાથી સોનાબાએ કબૂલ કર્યું. પણ મોટા ભાઈ બીજકુમાર બોલ્યા : “હું તો અંધ છું. મારે માથે હવે પળિયાં આવ્યાં. હું નથી પરણ્યેા, પરણવુંયે નથી. મરજી હોય તો મારા નાનેરા ભાઈને જમાઈ કરો.”
રાજની સાથે સોનાબાનો હથેવાળો થયેા. સોનાબાને ઓધાન રહ્યું. નવ મહિને દીકરો આવ્યો. પ્રસવ થાય તે વખતે જન્માક્ષર લેવા જોષીને બેસાડેલા. પ્રસવ થયે તેની બરાબર ઘડી લેવા માટે બહાર બેઠેલા જોષી પાસે ઓરડામાંથી દડી ફેંકવાની હતી. બાનડીએ દડી બે ઘડી મોડી નાખી, એટલે ખોટી ઘડી લેવાણી. જન્મોત્રીમાં ગણતરી કરીને જોષીએ નિસાસો નાખ્યો. માતાએ પુછાવ્યું : “કહો જોષીરાજ ! જન્માક્ષર શું કહે છે?”
“કહે છે કે દીકરાનું મોઢું જોયે બાપનું મોત થાશે !”
સોનેરી પાંભરીમાં બાળકને વીંટાળવામાં આવ્યું. આંસુભરી આંખે માતાએ આજ્ઞા કરી : “એને વગડામાં નાખી આવો. ”
બાનડી નાખવા આઘે આઘે ગઈ: એક બખોલ દેખી, બાળકને ત્યાં નાખીને પાછી વળી.
તરતની જ વિયાયેલી એક વાઘણ પોતાનાં બે બચ્ચાંને એ બખોલમાં મૂકીને ભરખ ગોતવા ગયેલી પાછી આવીને બચ્ચાંને ધવરાવવા બેઠી. પાસે પડેલા બાળકને માથે એાર હતી તેથી તેને પણ પોતાનું બચચું માની ગોદમાં લીધું. એાર ચાટી લીધી. હેત ઊપજી ગયું. ત્રણે જણાં વાઘણના આંચળ ચસ ! ચસ ! ચસ ! ચૂસવા મંડ્યા. બચ્ચાને ધરવીને વાઘણ વગડામાં ચાલી ગઈ.
મોંસૂઝણું થયું. બે ભરવાડો નીકળ્યા. એમણે આ કૌતુક જોયું, બે વાઘનાં બચ્ચાં ને એક માનવીનું બચ્ચું ! એકબીજાને ચાટે છે ! માનવીનું બાળક હાથ-પગ ઉલાળતું ઘુઘવાટા દે છે. ત્રણેને ઉપાડીને ગોવાળિયા દરબારમાં લાવ્યા. આ કૌતુક કોણ સમજાવે ? પૂછો બીજ સોંલકીને !
માનવી બાળકને છાતીએ ચાંપતાં જ તરત આંધળો બીજ બોલ્યો : “ અહાહાહા ! મારું કાળજું ઠરીને હિમ થાય છે, બાપ ! આ બીજો કોઈ ન હોય, આ તો મારું જ પેટ !”
“શું બોલો છો, ઠાકોર ?”
“પુછાવો રાણીવાસમાં : સોનાબાને શું અવતર્યું ?”
રાણીવાસમાંથી ખબર આવ્યા કે મરેલું કાચું બાળક અવતર્યું હતું.
“એને ક્યાં નાખ્યું ?” "દાટી દીધું.”
"દાટવાની જગ્યા ખોદાવો.”
બાનડી ગભરાણી. એને ગરદન મારવાનો ડારો દીધો. રાણીમાતાએ કબૂલ કર્યું કે બાળક એના બાપનો કાળ હોવાથી વગડે મેલ્યો છે. ક્યાં મેલ્યા તેનો પત્તો લેવામાં આવ્યો. પાંભરી ઓળખાણી, નક્કી થયું કે એ તો રાજનો જ દીકરો. જોષીને મોડી ઘડી આપેલી હોવાની વાત બાનડીએ કબૂલ કરી લીધી. બીજ સોંલકીની પરીક્ષા ઉપર માણસો ગાંડાં બન્યાં.
“અરે, મારા બાપ! શું હું મારા પેટને ન ઓળખું ? એના શરીરના રૂંવાડે રૂંવાડે મારા કુળનું નામ લખાઈ ગયું છે. એ બધી તો આંધળાંએાને ઉકેલવાની ભાષા છે.”
રાજમાં નેાબતો ગડગડી, દેવળેામાં ઝાલર રણઝણી, ઘરે ઘરે લાપસીનાં આંધણ મુકાણાં.
વાઘણને ધાવનાર એ બાળકનું નામ પડ્યું મૂળરાજ.
રાજ ને બીજ એકલા રણછોડરાયને નવરાવવા દ્વારકાને માર્ગે ચાલી નીકળ્યા.
એક હજાર વર્ષ પૂર્વે કચ્છના કેરાકોટ નગરના રાજ-ઝરૂખે ચાર બાઈઓ, ઇન્દ્રભુવનની ચાર અપ્સરા જેવી, બેઠી હતી : એક સોન રાણી, બીજી જહી બારોટાણી, ત્રીજી નેત્રમ બાનડી ને ચેાથી ડાહી ડુમડી. કચ્છ દેશની મરદાનગી એમનાં કદાવર અંગેામાં ચમકતી હતી. ચારેયના ધણી રણે ચડ્યા હતા.
આથમતા સૂરજ મહારાજે અસ્તાચળ ઉપરથી રજપૂતાણીને ભાળી. પોતાના હજારો ફૂલોની ડાળીમાંથી એ ઝરૂખામાં એણે એક ફેંક્યું. રાણીએ ફૂલ સૂંઘ્યું. પેટમાં કંઈક ટાઢો શેરડો પડ્યો. પછી બારોટાણીએ બાનડીએ ને ડુમડીએ વારાફરતી સૂઘ્યું. “એાય રે રાણીમા ! પેટમાં કોણ જાણે શુંયે થઈ ગયું !” – એમ ત્રણે જણી બોલી. કોઈક જતિ-જોગટાનું મંત્રેલું માનીને બાનડીએ ફૂલ બારીએથી ફેંકી દીધું. ફૂલ ઘોડારમાં પડ્યું. સો સો ઘમસાણોમાં ઝૂઝેલી પરનાળ નામની ઘોડી ત્યાં બાંધી હતી. એણે એ સૂંઘ્યું, પાંચેયને ઓધાન રહ્યાં.
જહીએ માવલ જનમિયો, લાખણસી સોનલ, નેત્રમ માગેણો હુવો, ડાઈ જાઈ કમલ.
જહી બારોટાણીને માવલ સાબાણી નામે પ્રખ્યાત બારોટ જન્મ્યો, સોનલ રાણીને લાખો ફુલાણી અવતર્યો, નેત્રમ દાસીને માગેણો અને ડાહી ડુમડીને કમલ.
રાજમાતાની કૂખે કુંવર લાખો જન્મ્યેા. એના જન્મને દિવસે જગતમાં શું બન્યું ?
જે દી લાખો જનમિયો, ધરપત કાછ ધરા, તે દી પીરાણા પાટણજા, કોઠા લોટ કરા.
કચ્છનો ધરાપતિ લાખો જે દિવસે જન્મ્યો, તે દિવસે જ બરાબર એના પિતા ફૂલે અણહિલપુર પાટણના કિલ્લાને ભોંભેળો કરી નાખ્યો.
સૂરજનો કુમાર આવા વીર-શુકન લઈને ધરતી પર ઊતર્યો. એના જન્મની ખુશાલીનો ડંકો ચોરાની ઝાલર ઉપર નહિ પણ ગુજરાતના પાટનગરના ગઢની દીવાલ ઉપર વગડ્યા. એની છઠ્ઠીના લેખ લખનારી વિધાતા મોળો, અક્ષર કાઢતાં કાંપી ઊઠી હશે.
બાપની સાથે કુંવર લાખાને અણબનાવ થયો, મોઢું; જોવાનુંયે સગપણ ન રહ્યું, સૂરજનો પુત્ર જુવાનીના રંગ રમવા સોરઠને કાંઠે ઊતર્યો; કંઈ ઘમસાણ બોલાવ્યાં, આઠ આઠ કોટની રચનાવાળું એક નગર બાંધ્યું. લીલી અને સૂકી એવી બબ્બે ભાદર નદીએાનાં નીર જ્યાંથી પહેલવહેલાં વહેવા માંડે છે, તે દેવતાઈ જગ્યા ઉપર હજુયે આટકોટ નગર ઊભું છે. પણ આઠ કોટ તો માટી ભેળા મળ્યા છે – બખ્તર કાઢી નાખીને કોઈ ક્ષત્રી કેમ જાણે નદીને નિર્જન કાંઠે ઊભે ઊભે પોતાની આગલી જાહોજ્લાલી યાદ કરતો હોય !
કાંધે ગંગાજળની કાવડ ઉપાડીને રાજ-બીજ બે ભાઇઓ ભગવે લૂગડે દ્વારકા જાય છે. આટકોટના પાદરમાં ઉતારો પડ્યો છે. આંહીં એક ટકોરો વાગે ને એનો રણકાર જેમ આઘે આઘે પથરાઈ જાય, તેવી રીતે બીજકુમારની કીર્તિ એટલા વખતમાં તો ચારણોએ અનેક રજવાડાંમાં પહોંચાડી દીધી હતી : જેને જેને ખેાટીલાં ઘેાડાં હતાં તે તમામ એ અશ્વ-પરીક્ષકની તપાસ કરાવતાં.
લાખા ફુલાણીને જાણ થઈ. પાંખપસર નામના પોતાના ઘોડાને બતાવવા લાવ્યા. પાંખોવાળા પંખીને વેગે ચાલનાર એ માનીતો ઘોડો કોણ જાણે શા કારણે એક પગ ઊંચો રાખતો હતો. ઓસડ બહુ કર્યાં હતાં તોય ઘોડો પગ માંડતો નહિ.
આંધળા બીજે ઘોડાની આખી કાયા ઉપર હાથ ફેરવી જોયો. એણે કહ્યું : “લડાઈનો ડંકો દેવરાવો. નોબતો ગડેડાવો. રણશિંગાનો શોર મચાવો. આખા લશ્કરને સજ્જ કરી બહાર કાઢો. હોકારા-પડકારા કરીને દિશાઓ ગજાવી મૂકો.”
'રડી બાંબ! રડી બાંબ!' લડાઈના ડંકા વાગ્યા. નેજા ચડ્યા. નોબતે ઘાવ દેવાણા. તૂરી-ભેરી વગડી. આકાશ ધૂંધળો થયેા. લશ્કર નીકળ્યું. ઘોડાની હણહણાટી ને આદમીઓના હાકલા-પડકારા: એ શોરબકોર સાંભળતાં તો ત્રણ પગે ઊભેલા ઘોડાએ ઝડાફ દઈને ચોથો પગ નીચે મૂક્યો, હણહણાટી દીધી, ખીલો કઢાવી નાખવા ઝોંટ મારી.
બીજે ચોથો પગ ઝાલી લીધો. તેલ-દવાનાં મર્દન કર્યાં. ઘોડાની ખેાટ ટળી. માણસો મોંમાં આંગળાં ઘાલી ગયાં.
“રાવ લાખા !” અંધ બીજ બોલ્યા : “આમાં બીજો ઇલમ નહોતો. ઘોડાને સ્વપ્ન-ઘા થયેા હતેા: લડાઈનું એને સ્વપ્નું આવેલું કે લડતાં લડતાં જાણે પોતાનો પગ ઘવાણો છે! એટલી ભ્રાંતિ થવાથી એ નીચે પગ નહોતો માંડતો.”
લાખો કહે: “ દેવતાઈ પુરુષ ! મારી બહેન રાંયાજીનું પાણિગ્રહણ કરો.”
બીજ બેાલ્યા: “બાપા લાખા રાવ ! મારી વિદ્યાને કોઈનું શેાક્યપણું ન પાલવે. મરજી વધતી હોય તો રાજને જમાઈ કરો.”
ઊઘડતા ગુલાબ જેવો રાજ શોભતો હતો. એની વિદ્યા એક જ હતી ને તે મસ્તકમાં નહોતી, ભુજામાં હતી. એ જ્યારે માથું હલાવતો ત્યારે સાવજ જાણે પોતાની કેશવાળી ખંખેરતો હોય એવો પ્રતાપી દેખાતો. લાખાની બહેન બીજા કોને પરણી શકે ? વેલડી આંબાને વીંટાય, તેમ રાંયાજી રાજને પરણી.
આંધળો બીજ ખંભે કાવડ ધરીને રસાલા સાથે દ્વારકા ચાલ્યો ગયો છે; રાજ આટકોટમાં જ રહ્યો છે. રાંયાજીને એાધાન રહ્યું છે. રાતદિવસ ગર્ભ ખીલતો જાય છે – સુભદ્રાના પેટમાં જાણે અભિમન્યુ !
કાળ આવવો છે ને ! એક દિવસ સાળો-બનેવી સોગઠાંની રમત માંડે છે. સામસામાં પઘડાં પાકે છે, કાંકરીઓ ઢિબાય છે, અને ગોઠણભર થઈથઈ ને બેય જણા પાસા ફેંકે છે. લાખાની એક જ સોગઠી રહી. એ સોગઠીને પાકીને ઘરમાં જવાની વાર નહોતી, ત્યાં રાજે દાણિયા નાખ્યા. લાખાની સેાગડી ઊડી. “મારા સાળાની ! ક્યારની સંતાપતી'તી' કહીને રાજે સોગઠી પર સોગઠી મારી; એક ઘાએ ભાંગીને ભૂકા કર્યો. આંગળીમાંથી લેાહીના ત્રસકા ટપક્યા.
“સોલંકી !" લાખાની આંખ બદલી : “મોં સાંભળજો, હો ! ”
“નહિ તો?”
“બીજું શું ? માથું ધૂળ ચાટે ! શું કરું ? મારી બહેનનો ચૂડો આડો આવે છે.”
“લાખા ! તારું અન્ન મારા દાંતમાં છે. આજ મને ભાન થયું કે હું તારો અતિથિ નથી, પણ આશ્રિત છું. બસ, આજથી મારું અંજળ ખૂટ્યું.” એટલું કહીને રાજ ઊઠી ગયો. ભાદરનું પાણી ગૌમેટ કર્યું. રાણીને કહ્યું : “તમારે પૂરા મહિના છે. પ્રસવ સુધી રહેજો. હું જાઉં છું અણહિલપુર, મૂળરાજ પાસે.”
રિસાઈને રાજ ચાલ્યો. સોરઠનાં ઝાડવાં લળીલળીને જાણે એને મનાવતાં હતાં. નદીઓ જાણે આડી પડીપડીને. આંસુથી એના પગ ભીંજાવતી ભીંજાવતી કહેતી હતી : “રાજ ! રોકાઓ, મનાઓ !”
લાખો પસ્તાયો. બહેનનું મોં એનાથી નહોતું જોવાતું. રાજને ઘણાં કહેણ-કાલાવાલા મોકલ્યાં, પણ રાજ આવે નહિ. ચાર આંખો ભેળી થાય તો તો ચરણે પડીનેય મનાવી. લઉં. પણ એવો મોકો શી રીતે મળે ?
લાખો પાટણ પર ચડ્યો. સરસ્વતીના હરિયાળા કાંઠા ઉપરથી ગામની ગાયો વાળી. રાજને જાણ થઈ કે લાખો ફુલાણી પાટણ લૂંટી જાય છે. રાજનાં રૂવાડાં બેઠાં થઈ ગયાં. મૂછોની અણીઓ આંખ સુધી ખૂંચી ગઇ; જૂનો કોપ જાગ્યો.
ખડગ લઈને એ એકલો ધાયો. ગાયો લઈને લાખો તો સીમમાં વાટ જોતો હતો. એને તો રાજની સાથે જ ચાર આંખો મેળવવી હતી. બનેવીને એણે આવવા દીધો, ખૂબ પાસે આવવા દીધો; પછી પાઘડી હાથમાં લઈને સામો ચાલ્યો : “ એ રાજ; આટકોટ હાલ્ય ! તને તેડવા આવ્યો છું. રાંયા રોવે છે !”
“લાખા ! મરદ થા. હવે ગોટા વાળ્ય મા.” એમ કહીને એણે ખડગ ચલાવ્યું. લાખાનું માથું જોતજોતામાં ઊડી જાત, પણ એણે વખતસર ભાલો ઝીંક્યો. રાજ વીંધાઈ ગયો. પહાડ જેવી કાયા ભેાંય પર પછડાણી. લાખાએ પોતાના માથાનો ફેંટો કાઢીને એ શબ ઉપર એાઢાડી દીધો. એણે પોતાની આંખો લૂછી કપાળ કૂટ્યું.
વિધવા બહેન રાંયાના ખોળામાં ભાણેજ રમવા મંડ્યો છે; એનું નામ પાડ્યું છે રાખાઈશ. બાપનું મોં તો રાખાઈશે જોયું નથી; મામા જ એના લાડકોડ પૂરા કરે છે. મા અને મામા: એ બે સિવાય કોઈક કુટુંબી જાણે ખોવાઈ ગયું હોય, એમ એની આંખો ચારેકોર જોયા કરતી.
કોઈ બાનડી કહેતી : “બા, બરોબર જાણે ઈ જ મોઢું હોય !”
આવાં વેણ સાંભળીને રાંયા રોતી. રાખાઈશના માથા પર ધગધગતાં આંસુ પડતાં. આભો બનીને રાખાઈશ માના મોં સામે જોઈ રહેતો.
લાખાની આણ હતી કે ભાણેજને કોઈ એ જૂની વાત કહેવાની નથી - કહેનારને કાંધ મારીશ !
રાખાઈશ વધવા લાગ્યો, મલ્લકુસ્તી, પટ્ટાબાજી, ભાલાની તાલીમ : એમ એક પછી એક કળા ઉપર એનો હાથ જામતો ગયો. સત્તર વરસનો પહેલવાન થયો. સવા હાથની છાતી ખેંચાણી. ખભા ઢાલ જેટલા પહોળા થયા. એક આંખમાં ઝેર ને બીજી આંખમાં અમૃત નીતરવા માંડ્યું;
કોઈ કોઈ વાર લાખો નાના છોકરાની જેમ છાતીફાટ રુદન કરતો. ખૂબ રોતો. કારણ કોઈ પૂછી શકતું નહિ. ભાણેજ જઈને માતાને પૂછતો. માતા જવાબ દેતી: “બાપ. મામાને દીકરો નથી માટે રોવું આવે છે !”
એક દિવસ તલવાર ખેંચીને રાખાઈશ ઊભો રહ્યો; માતાને પૂછ્યું : “ બોલો માડી, મારો બાપ કોણ ? જગતમાં સહુને બાપ – એક મારે જ નહિ ? 'બાપુ' એવો શબ્દ આજ સુધી મારે કાને ન પડવા દીધો ? બોલો, નહિ તો તલવાર પેટે નાખીને મરું છું.”
“બાપ, તારા પિતા તો તું પેટમાં હતો ત્યારે પાછા થયા.”
“બેાલો, એને કોણે માર્યા ? મારી એક આંખમાં ઝેર કાં ઝરે ?”
“એને મામાએ માર્યા – તારા અન્નદાતાએ.”
“મારા કુળમાં કોઈ સગું ન મળે ?”
“અણહિલપુરનો રાજા મૂળરાજ તારો એારમાયો ભાઈ થાય છે ને તારા મોટા બાપુ બીજ પણ ત્યાં રહે છે.”
“ત્યારે આપણે આંહીં શીદ રહીએ છીએ ?”
“આપણે ક્યાં જઈએ? કોણ સંઘરે ?”
“મારા બાપુ પાસે જઈએ – ત્યાં સ્વર્ગમાં. ”
મા સમજી ગઈ. ડળકડળક પાણીડાં પાડતી એ દીકરાને માથે હાથ મેલીને બોલી : “જોજે હો, બાપ, રજપૂતાણીનો દીકરો! બાપનું વેર લેવા જતાં લૂણહરામી ન થતો. તારે રૂંવે રૂંવે મામાનું અન્ન ભર્યું છે, રાખાઈશ ! વેર લેતાં આવડતું હોય તો જાજે.” “માડી ! તમારી કૂખ નહિ લજાવું, ધરપત રાખજે !”
રાત પડી. જગત આખું પહેલા પહોરની નીંદરમાં પડ્યું છે. શસ્ત્રો સજીને રાખાઈશ ઘોડારમાં આવ્યો; ખડગ ખેંચીને ખાસદારને કહ્યું : “ફૂલમાળ ઉપર સામાન માંડ !”
“અરરર બાપુ ! મામા ગરદન મારે. ફૂલમાળ ઉપર બીજા કોઈનો હાથ નથી અડતો.”
“મામા તો સવારે મારશે, પણ હું અત્યારે જ પ્રાણ લઈશ.”
ખાસદારને બીજો આરો નહોતો. ફૂલમાળ ઘોડી પર ચડીને કાળી રાતે રાખાઈશે પંથ કાપવા માંડ્યો. હાલાર વટાવી, પાંચાળના ભેંકાર ડુંગરા વટાવ્યા, ઝાલાવાડની ઝીણી ઝીણી રેતીના ડમ્મરમાંથી પાર નીકળ્યો, અને મધરાતનો પહોર ભાંગ્યો તે વખતે પાટણના ગઢને દરવાજે ટકોરા દીધા. દરવાજા ઉઘડાવ્યા. ગુર્જરપતિને માઢ-મેડી સામે જઈને જાણે રોજને અવાજે ભાઈ ભાઈને સાદ કરતો હોય તેમ સાદ પાડ્યો : “મૂળરાજ ! ભાઈ ! એ ભાઈ મૂળરાજ ઊંઘે છે.”
ફરી સાદ કર્યો : “એ બાપ ! આવડી બધી ઊંઘ ! બાપનું વેર લીધા વિના આટલું બધું ઘારણ વળી ગયું ! આ કયા સુખની ઊંઘ !”
અંધારી અધરાતે કિલ્લાની મૂંગી દીવાલો સામા પડઘા દેવા લાગી : “ મૂળરાજ ! ભાઈ મૂળરાજ !”
આભમાંથી જાણે ઠપકો આવે છે : “આવડી ઊંઘ ! આવડું બધું ઘારણ !”
દરવાજા ઉપરની મેડીમાંથી એક આંધળા ડોસાએ ડોકું કાઢ્યું. પૂછ્યું : “કોણ છે?”
“હું છું”
“ઓ હો હો હો ! એાળખાણો એ સાદ ! મારો બાપ આવ્યો ! રાખાઈશ આવ્યો ! મારું પેટ આવ્યો ! મારી આંધળાની આંખનું બીજું રતન આવ્યો !”
“બાપુજી !” રાખાઈશના ગળામાં પિતૃભક્તિનું સંગીત બંધાઈ ગયું : “બાપુજી ! જાગો છો ?”
“જાગું છું, બેટા ! હું અઢાર વરસથી જાગું છું. આવ્ય બાપ ! તને છાતીએ ભીંસીને પછી મરું !”
“બાપુજી ! આજ નહિ, આવતે અવતાર. આજ આ છાતી અપવિત્ર છે. મારે વરસ વરસ જેવડી ઘડી જાય છે. બેાલાવો, ભાઈને ઝટ બોલાવો !”
મૂળરાજે અટારીમાંથી હોંકારા સાંભળ્યા. એણે ડોકું કાઢ્યું : “ભાઈ !”
“હો ભાઈ !” 'ભાઈ' શબ્દ તે રાત્રિએ ધન્ય બન્યો. જગતમાં પહેલી જ વાર જાણે ભાઈએ ભાઈને બોલાવ્યો.
“આવડી બધી ઊંઘ ! બાપનું લોહી હજુ તો લીલું છે. બાપનો મારતલ હજુ રાજ ભોગવે છે !”
“બાપ ! તારો મામો ! આશ્રયદાતા !”
“ફિકર નહિ. તને બોલાવવા આવ્યો છું. સોમવારે ભાદરને કાંઠે શિવાલય ઉપર, સાંજરે.”
“અને તું ?”
“હું ? રજપૂત થઈને પૂછછ? હું મારા અન્નદાતાની મોઢા આગળ રહીશ. મરતાં પહેલાં એનો હિસાબ ચૂકવીશ, એની આગળ સાત ડગલાં રહીને મરીશ, પણ જોજે હોં ! હૈયું પોચું ન પડી જાય. જોજે ! ભાઈને માથે એ વખતે હેત ન આવી જાય; હાથ ઢીલા ન પડી જાય ! ઝીંકીને મારી છાતી પર ઘા કરજે, અને જાણજે કે મારું ચાલશે ત્યાં સુધી હું તને પણ કટકેય નહિ મૂકું, મામાનું લૂણ -”
“ભાઈ ! મારે વેર નથી લે – ”
“ખબરદાર ! ચાર હત્યાનું પાપ ! પિતૃદ્રોહનું પાપ ! યાદ દાખજે – સોમવાર, શિવાલય, સાંજરે !”
એટલું બોલીને રાખાઈશે ઘેાડી વાળી. અંધારામાં એના ડાબલા ગાજી રહ્યા. કોઈએ કોઈ નું મોં પણ જોયું નહિ. ચાર આંખો ન મળી. ફક્ત અવાજે અવાજ ભેટ્યા: “ઊભો રહે ભાઈ!” એવો સાદ કરતો મૂળરાજ અટારીમાં થંભી રહ્યો.
“વાહ મારા ફરજંદ ! વાહ સેાલંકી ! રંગ તારા શામધરમને ! ને રંગ તારા પુત્રધરમને !”
પ્રાગડના દોરા ફૂટે તે પહેલાં તો રાખાઈશ આટકોટના ગઢમાં દાખલ થઈ ગયો. ખાસદારે ઊનું પાણી તૈયાર રાખેલું. ઘોડીને નવરાવી માલેશ કરી : જાણે એક ગાઉનીયે મજલ ન કરી હોય તેવી તાજી ફૂલમાળ બની રહી.
લાખાનો રિવાજ હતો કે રોજ સવારે આવીને પોતાનાં ઘોડાંના શરીરે હાથ ફેરવવો. એ આવ્યો. ફૂલમાળ ઉપર હાથ ફેરવવા લાગ્યો. કાંઈ ફરક ન લાગ્યો. ત્યાં લાખાની નજર ઘોડીના કાનમાં ગઈ, એણે કાનમાં આંગળી ફેરવી. આંગળી ઉપર માટી બેઠી. ડોળા કાઢીને એણે પૂછ્યું : “ખાસદાર! ફૂલમાળ કાલે રાત્રે ક્યાં ગઈ હતી ?”
"ક્યાંય નહિ, બાપુ ! તમારી આજ્ઞા જાણું છું."
“ખેાટું ! આ ધૂળ જોઈ? આ ધૂળ સોરઠની નો'ય. બોલ, કોણ ચડેલું ?”
ખાસદાર થંભી ગયો.
"કોણ, ભાણાભાઇ?"
ચાકરે ડોકું ધુણાવ્યું.
“હં ! સમજાણું !” લાખાની બેય ભમર ખેંચાઈને ભેળી થઈ.
આજે સોમવાર છે. મામા શિવાલયે જાય છે. સાથે સૈન્ય તૈયાર થાય છે. કોઈ દિવસ નહિ, ને આજે રાખાઈશ હથિયાર બાંધે છે. મામાએ ભાણેજની તૈયારી જોઈ. ભાણેજના અંગ ઉપર કેસરિયાં છાંટણાં દેખ્યાં. ભાણેજની આંખોમાં છેલ્લી વિદાયના રંગ જોયા. આજ દગો થવાનો. મામાએ લશ્કરને હથિયાર બાંધવાનો હુકમ દીધો.
આગળ ભાણેજ ને પાછળ મામા : ભાદરમાં સ્નાન કરી, ધોતિયું પહેરી, ત્રિપુંડ તાણી, મામા શિવાલયમાં બેઠા. ૐકારના ધ્વનિ એમના પહાડી ગળામાંથી ગાજવા લાગ્યા. ઘીના દીવા થંભીને લાખાનાં સ્તવનો સાંભળી રહ્યા છે. શિવાલયને પગથિયે, મામાનાં હથિયાર અને બખ્તર લઈને રાખાઈશ બેઠો છે. તલવારની મૂઠ ઉપર પોતાનું દૂધમલિયું માથું ટેકવ્યું છે. મામાના મોંના ૐકારની સાથે જ એકતાલ બનીને ભાણેજના મોંમાંથી નિસાસા છૂટે છે. ભાદરને બેય કાંઠે લશ્કરનો વ્યૂહ રચાવા માંડ્યો છે.
આભમાં આંધી ચડે છે. સૂરજ ધૂંધળો થાય છે. ધરતીનાં પડ ધણધણી હાલ્યાં છે. સોલંકીનાં સહસ્ત્ર-સહસ્ત્ર ભાલાં કોઈ મહા દાવાનળની શિખા સળગતી હોય તેવાં ચળકી ઊઠ્યાં ! કાળી નાગણીઓ જીભના લબકારા લેતી હોય તેવી તલવારો ઝળહળવા લાગી. ભાદરને કાંઠે ભેટંભેટા થઈ. લોહીનાં પરનાળાં બંધાઈ ગયાં.
એ ભયંકર યુદ્ધમાં આટકોટના યોદ્ધાઓ કપાઈ ગયા. સોલંકીનું સૈન્ય સામે કાંઠેથી આ કાંઠે આવી પહોંચ્યું. એ વખતે લાખાની પૂજા ચાલુ હતી. પૂજા પૂરી થયા સુધી આસપાસ યુદ્ધનાં ઘમસાણ બોલાતાં હતાં, તોય લાખો ડગ્યો નહોતો. હવે એ ઊઠ્યો. સામે ભાણેજને બેઠેલો ભાળ્યો. “હાય હાય ! હમણાં મને કાપી નાખશે. મારાં હથિયાર એની પાસે છે. બહાર નીકળીશ એટલી જ વાર છે” – એવી એને ફાળ પડી. ભાણેજે ઊઠીને મામાને લૂગડાં દીધાં, બખ્તર પહેરાવ્યું. હથિયાર સોંપ્યાં, ને કહ્યું : “ચાલો.”
“ઓ...હો ! આખું લશ્કર ખળું થઈ ગયું !” લાખો જોઈ રહ્યો.
મૂળરાજ લગે।લગ આવી પહોંચ્યો. મામો-ભાણેજ કંઈકને કાપતા-કાપતા મુડદાંના ગંજો ઉપર પગ મેલીમેલીને આગળ વધે છે. ભાણેજ મામાની મોખરે ચાલીને મામાના ઉપર આવતા ઘા પોતાના દેહ પર ઝીલતો આવે છે.
ઓ ઊડે ગરજાણ, (જેને) ગોકીરે ગજબ થિયો, હેડા, હાલ્ય મેરાણ, રણ જેવા રાખાશનું.
ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઊડે છે; અને એની કારમી ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય. હે હૃદય, ચાલ, ચાલ, આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જઈએ.
“મૂળરાજ, માટી થાજે !” રાખાઈશે હાકલ દીધી.
“ભાઈ ! ભાઈ !” એ મધરાતનો સૂર પારખીને મૂળરાજે ભાઈ ને સાદ કર્યો.
“આજ ભાઈ નહિ, દુશ્મન !” કહીને રાખાઈશે ભાલો ઝીંક્યો. ઘામાં વેતરાઈ ગયેલ હાથનું ભાલું નિશાન ચૂક્યું. મૂળરાજે આંખો મીંચીને ભાઈને માથે સાંગ નાખી. રાખાઈશ પડ્યો. પછી લાખો પડ્યો.
જાડેજાએાને ખલાસ કરીને મૂળરાજે ગુજરાતનો રસ્તો લીધો.
આકાશની આંખેામાંથી લોહીની ધારો થાતી હોય તેવા સાંજના રંગ ઊઘડ્યા હતા. ભાદરને કાંઠે હજારો શૂરવીરો ડંકતા હતા. થોડે અંતરે મામો-ભાણેજ પડ્યા હતા: હજુ પ્રાણ નહોતા છૂટ્યા. એક સમળા આવી. રાખાઈશે આઘે પડ્યાં પડ્યાં જોયું કે સમળા મામાની આંખો ઠોલવા જાય છે. મામાનો જીવ હવે ઘડી-બે-ઘડી હતો. એને થયું : જીવતા મામાની આંખોનાં રતન જો સમળા કાઢી જશે તો મામાને અપ્સરા નહિ વરે; મારા મામાની અસદ્ગતિ થશે !
ઉઠાય તેટલું તો જોર નહોતું : શરીરના ટુકડા થઈ ગયા હતા. પોતાની આજુબાજુ ભોંય ઉપર હાથ પ્રસાર્યો. પણ હાથમાં પથ્થર નથી આવતો, અને ત્યાં તો સમળા મામાના માથાં ઉપર બેઠી. રાખાઈશ ભાન ભૂલી ગયો. કમ્મરમાંથી કટારી કાઢવા હાથ લંબાવ્યો. પણ ત્યાં કટારી કેવી ! માંસના લોચા લબડતા હતા.
કર ગો' કટારી, કર ગો' કાંચોળાં લગી, વગ કોઈના વણશી, રણ ભડતે રાખાશની.
કટારની જગ્યા ઉપર હાથ ગયો. કટાર હાથમાં ન આવી. કાંચોળાં (આંતરડાં) બહાર લબડતાં હતાં તે ઉપર હાથ ગયો. આંતરડાંનો લોચો તાણ્યો. પેટમાં બાઝેલ હોવાથી તે તૂટ્યો નહિ, ઝેાંટ મારીને તાણ્યો, તોડ્યો, સમળી સામે ઘા કર્યો. અધ્ધરથી લોચો ઝડપીને સમળી ઊડી ગઈ. લાખે શ્વાસ છોડ્યા. રાખાઈશે “રામ” કહીને આંખેા મીંચી. એ રણમાં લડતાં લડતાં રાખાઈશે બન્ને કુળ (વગ) – મોસાળનું કુળ અને પિતૃકુળ – ઉજ્જવળ બનાવ્યાં.
કાપડ, માઢુ, લોહ, ધણ, નીંવડીએ વાખાણ, રાખાઈશ ઘાએ છંડિયો, તોય ન મેલ્યો માણ.
લૂગડું, મરદ, તલવાર ને સ્ત્રી – એ ચારેનાં તો નીવડ્યે જ વખાણ થાય. આખર અવસ્થામાં કેવો ભાગ ભજવે છે, કેવી લાજ સાચવે છે, તે જોયા પછી જ એનાં વખાણ થાય. જેવી રીતે જુઓ, આ રાખાઇશ જખ્મોમાં છેક કપાઈ ગયેા હતો તોય પોતાની ટેક એણે ન છોડી, સાચો સ્વામીભક્ત નીવડ્યો.
રણ રિયા મ રોય, રોને રણ છાંડે ગિયાં, મુવે જ મંગળ હોય, રણ મચિયાં રાખાશનાં.
હે મરનારના સ્નેહીજન, તારાં જે વહાલાં રણમાં રહ્યાં (મર્યા) તેને માટે કલ્પાંત મા કર. કલ્પાંત તો રણ છોડી નાસનારને માટે હોય. રણમાં મરનારનાં તો અપ્સરાની સાથે મંગળ લગ્ન થાય છે; એમાં રોવાનું હોય ? રાખાઈશે પણ એવા જ રણસંગ્રામ મચાવ્યા.
કોઈ સ્વજન, રાખાઈશની કોઈ પ્રિયતમા, સ્મશાનમાં આવે છે. રાખાઈશને દહન દીધું છે ત્યાં આવીને રાખ તપાસે છે :
રાખાઈશની રાખ, દાઝી તેાય ડાકર કરે, ઉપર મેલું હાથ, (ત્યાં) ભણે મુંહીં ભેળી થઈ.
આ સળગી ગયેલા શરીરની રાખ પણ અવાજ કરે છે, ને હું હાથ મૂકું છું, ત્યાં તુરત જ ભેળી થઈને મને ભેટે છે.
આટકોટ આગળ 'લાખા ગરદી' નામની પ્રસિદ્ધ જગ્યા છે. ને ત્યાં એક હજાર ખાંભીઓ દટાયેલી હોવાનું કહેવાય છે.
[ચારણો આમાં એક નવીન જ દંતકથા મૂકે છે કે એક વખત આટકોટના કેટલાક વેપારીઓ જાવા દેશમાં જતા હતા. તેઓએ લાખા પાસે આવીને અરજ કરી કે, 'બાપુ, આપના તરફથી કોઈ રક્ષકને અમારી સાથે મોકલો.' લાખાને જોષીઓએ કહ્યું હતું કે, અઢાર વરસની ઉંમરે ભાણેજ રાખાઈશ તારો નાશ કરાવશે. લાખાએ રાખાઈશને પતાવવાની પેરવી કરી. મધદરિયે રાખાઈશને ડુબાવી દેવાની વેપારીઓને આજ્ઞા કરી ભાણેજને સાથે મોકલ્યો. દૂર દૂર દરિયામાં એક કાળો પહાડ આવ્યો. વહાણ પહાડની પાસે ઘસડાઈ ગયું. ત્યાં દરિયાઈ વેલા હતા તેમાં વહાણ અટવાઈ ગયું, ખારવાઓએ કહ્યું: 'પહાડ પર જઈને કોઈ જો ત્યાં પડેલા એક પ્રચંડ નગારા ઉપર ડાંડીનો ઘા મારે તો એના અવાજથી ત્યાં બેઠેલાં પ્રચંડ પંખીએા ઊડે. એ પાંખોના તડફડાટથી પવન વાશે અને તેના જોરથી વહાણ વેલમાંથી છૂટું પડશે.” રક્ષક બનીને આવેલા રાખાઈશે એ સાહસ ખેડ્યું. હોડીમાં બેસી એ પહાડ પર ગયો. સૂચવ્યા પ્રમાણે કર્યું'. વહાણ છૂટ્યાં. વાણિયાઓએ વિચાર્યું કે રાખાઈશને આપણા હાથે મારવાની હત્યા વહોરવા કરતાં એને અંતરિયાળ જીવતો છોડવો એ જ ઠીક છે. એમ સમજીને વહાણો હાંકી મેલ્યાં. રાખાઈશ એ પહાડમાં ભમવા લાગ્યો, ત્યાં એણે એક મહેલ જોયો. મહેલમાંથી કોઈએ એને બોલાવ્યો. ત્યાં જતાં એણે જોયું તો ચાર સુંદરીઓ સોગઠે રમે, એમાંથી એક રમણી ઊઠીને લાજ કાઢી બીજા ખંડમાં ચાલી ગઈ. બીજી ત્રણ જણીઓએ 'આવો ભાણેજ' કહી આદર દીધો; બધી વાતનો ફોડ પાડીને સમજાવ્યું : 'તારા બાપને મારનાર અને તારે માટે કાવતરું રચનાર લાખો જ છે. લાખો મર્યા પછી અમે ત્રણે એને વરશું; અને જો તું પણ સગાંવહાલાંનાં સાચાં કરજ ચૂકવી, વેર વાળી, અન્યાય કર્યા વગર મરીશ તો તને ય આ ચોથી અપ્સરા વરશે.' પછી તેઓએ પોતાના દૈવી બળ વડે રાખાઈશને તત્કાળ આટકોટ પહોંચાડ્યો હતો. એ વાત પરથી રાખાઈશે મૂળરાજને લડવા બોલાવ્યો, વગેરે.]
સૌરાષ્ટ્ર ની રસધાર