કાંધલજી મેર અને તેના ભાણેજ

ઉપરકોટનો દરવાજો વટીને એક આદમી હાથમાં ઘોડીની ‘સરક’ પકડીને એકાદ પળ ઊભો રહ્યો. પછી ચિત્તો છલાંગ ભરે એવી છલાંગ ભરીને ઘોડી પર અસવાર થયો. " જે દ્વારકાધીશ " ઘોડેસવારે ઘોડીની લગામ સતાણ કરી અને એ સાથે, ઘોડીએ જૂનાગઢની પથરાળ બજારમાં ડાબા દીધા અને એ જ વેળા એની પાછળ રેશમના ફૂમતા જેવો એક બીજો જુવાન અસવાર પણ ચઢ્યો. આગળના અસવારે પાછળ જોયું.

આંખમાંથી એકાદ ડારો નીકળ્યો : "પાછો વળી જા ભાણા.

પણ વીસગણા મોસાળનું લોહી જેની રગોમાં વહે છે, એવો ભાણેજ પાછો વળે કાંઈ ?

મામા-ભાણેજની મૂંગી નજરો વચ્ચે માથાની લેવડદેવડની સમજૂતી થઈ ગઈ...!

બજારમાં બંને ઘોડાના ડાબલા એક સાથે ગાજ્યા.., ગિરનારની છાયા હવે બપોરના ખોળામાં સંકેલાતી હતી. ઘોડા આગળ વધતા હતા. આગળના અસવારનો ચહેરો, માથું ભટકાવ્યું હોય, તો લોહી ન નીકળે એવો સખત હતો..! બજાર પૂરી કરીને ઘોડા જૂનાગઢની ભાગોળે આવ્યા આધેડ અસવારે જોગંદરસમા ગિરનારની ખોપ ભણી એનું પાઘડીવંતુ માથું નમાવ્યું પછી જમણો હાથ ઊંચો કરીને ગરવાને એણે સલામ કરી :

માફ કરજે બાપ., તારી છાયામાં મળ્યાં ત્યાં લગી માન મરતબો ભોગવ્યાં

પણ આજ મારાં અન્નજળ ખૂટ્યાં..! રા’ની ગાદી નીચે કોણ જાણે ક્યાંય ભોરિંગ બેઠો છે કે એની સમજણ ઉપર વારે વારે ડંખ મારે છે જૂનાણાના રા’ઓની દશા ફરે છે, ઠીક છે જેવી મારા અલખ ધણીની ઇચ્છા કહીને અસવારે ઘોડીને એડી મારી ગરવા ગિરનારની ખોપ આ અસવારને તાકી રહી.

"ક્યાં ચાલ્યો કાંધલજી ? ક્યાંકથી ભણકારો ઊઠ્યો. અસવારે મન કાઠું કરીને ઘોડીને હાંકી સોરઠની અઢાર ભારની વનસ્પતિ એની લીલપો લઈને ઓગળતા જતા કાંધલજી મેરને જોઈ રહી કાંધલજી વંથલીના માર્ગે ચડ્યો એકાદ પળ માટે વળી પાછી એની આંખ ભૂતકાળમાં બિડાણી નાંખી દેવા જેવી વાતમાંથી કેવી વસમાણ ઊભી થઈ ગઈ. ઘોડીના ડાબલે ડાબલે એ વસમી ઘડીઓ પડઘાતી હતી.

"વાહ વાહ ! કાંધલજી મેર કહે તો.., જૂનાગઢને ઢાંક મળે !

જૂનાગઢનો રા’ ખુશીપામાં પાગલ બનીને તાળી પાડી ઊઠ્યો : "તમે સાંભળ્યુને કાંધા મેર ? જોઈને તમારા જેઠવાઓની ચતુરાઈ ? કેવું ડહાપણ વાપરી જાણ્યું, પોરબંદરના ભાણજી જેઠવાએ ?

રા’ની કચેરીમાં અડીખમ થઈને બેઠેલ કાંધલજી મેર, રા’ના હાથમાં રહેલી ચબરખી સામે માત્ર ટગર ટગર જોઈ રહ્યો છે. કાંધલજીને અચંબો થાય છે કે પોરબંદરના રાણા ભાણજી જેઠવાએ એવી તે કઈ વાત કાગળમાં લખી નાખી છે કે જૂનાગઢનો ધણી ખુશીઓ ઠાલવે છે !

રા’ હજીય કાગળ હાથમાં રાખીને દાંત કાઢ્યે જાય છે. વેણે-વેણે મરમ ઠાંસતો જાય છે. કાંધલજી સામે જોતો જાય છે :

"બાકી પોરબંદરના રાણાઓ માળા ભારી ચતુર ! ભારી મુત્સદ્દી ! ભારી આવડતવાળા - દળીદળીને છેવટે ઢાંકણીમાં ઉઘરાવ્યું....!

"રા’ બાપુ ! કાંધો મેર સહેજ ઊઘડતા સાદે બોલ્યો : "આમ કુલડીમાં ગોળ કાં ભાંગો ? વિગતે વાત કરો.... તમે કચેરી શા માટે ભરી ? મને હાલદમ બોલાવ્યો, ઇ પણ શા માટે ?

"વાત રળિયામણી છે કાંધા મેર! અને તમારે ખાસ સાંભળવા અને સંભાળવા જેવી છે.

"તો કરો વાત રા’ !

"કાંધલજી ! પોરબંદરના ભાણજી જેઠવાનો કાગળ છે...! રા’ હસ્યો.

"આપના સસરા ? કાંધલજીએ પણ મર્મ કર્યો.

"હા, મારા સસરાજી !!

"શું લખે છે ?

"ભાણજી જેઠવો લખે છે ઇ તમને ગળે નૈ ઊતરે કાંધલજી...! લ્યો, આ કાગળ, ખુદ વાંચી લ્યો. કહીને રા’એ કાંધલજી મેરના હાથમાં પોરબંદર રાજવી ભાણ જેઠવાનો પત્ર થમાવ્યો. રા’ની ઠેકડીનું રહસ્ય કાગળમાં ક્યાં છુપાયું છે, એ જાણવા માટે કાંધલજીની ચબરાક આંખો, વનરાઈમાં ડાળે ડાળે ઠેકતા વાંદરાની પેઠે, કાગળની લીટીઓ પર ઠેકવા માંડી.

પોરબંદરના રાણો ભાણજી જેઠવો, રા’ ઉપરના કાગળમાં લખતા હતા : અમારા જમાઈરાજને ખુશાલી સાથે જણાવવાનું કે અમારી દીકરીની કૂખે પુત્ર અવતર્યો... એની વધાઈ મળતાં અમારે બત્રીસેય કોઠે દીવા થયા છે. પણ.., રા’ !! તમે કુંવરપછેડામાં અમારી પાસેથી ઢાંક માંગ્યું છે ઇ વાજબી નથી.., ઢાંક તો અમ જેઠવાઓની પાંચસો વર્ષની રાજધાની પુરાતન સ્થળ.., ઢાંક અમારું તીર્થધામ છે.

રા’!! ઢાંક માટે અમારા પૂર્વજનું એક ભાટે માથું માગેલું તે ઉતારી આપેલું ! પણ ઢાંક નહોતું દીધું.., રા’!! ઢાંકની રાજધાનીની ભીંતે ભીંતે અમ જેઠવાઓનાં સ્વમાન, પરાક્રમ અને અમારી ગૌરવગાથાઓ ચણાયેલી છે નાગાર્જુન બાપુએ ઢાંકની રાજધાનીની ભીંતો ઉપર શાલિવાહનની સતી રાણીને હાથે સોના જેવી ગાર કરાવેલી. એમાંથી લોહિયાળ જંગ થયેલો અમારા વડવાનું કબંધ ધીંગાણે ચડેલું અને જેઠવાઓની મર્દાનગી જોઈને મૂંગીપરનો ધણી શાલિવાહન હારીને પછી ભાગેલો.. માટે રા’!! ઢાંક તો અમારી દેવતાભૂમિ છે કુંવરપછેડામાં તમે માથું માગ્યું હોત તો ઉતારી આપત.., પણ ઢાંક નહીં આપીએ. આમ છતાં તમે હઠ લીધી છે. જૂનાગઢ મોટું રાજ્ય ધારે તો પોરબંદરને પળમાં ધૂળધાણી કરે, છતાં ઢાંક માટેની હઠ છોડો તો સારું.., આમ છતાં દીકરીનાં માવતર તરીકે અમે જેઠવા લાચાર છીએ હવે અમે વચલો રસ્તો કાઢ્યો છે.

પોરબંદર સાથે વાંધો પડવાથી અમારો જૂનો વજીર.. કાંધલજી મેર આપને આશરે છે, આપનું અન્ન ખાય છે, છતાં અમને એની નેકી-ટેકી માટે માન છે અમે કાંધલજી મેર ઉપર આ વાતની ભાંખ મૂકીએ છીએ જો કાંધલજી હા ભણશે, તો અમે કુંવરપછેડામાં ઢાંક તમને આપી દઈશુ થોડું લખ્યું ઝાઝું કરી માનજો.

કાંધલજી મેર કાગળ વાંચતો હતો એ વેળા રા’ ઢાંક જાણે પોતાના ગજવામાં મુકાઈ ગયું હોય, એવો ખુશીપો મમળાવી રહ્યો હતો ! હા... કાંધલજી મેર ઢાંક જૂનાગઢને જ અપાવશે ! જેઠવાઓ સાથે કાંધલજીને વજીરાઈમાં વાંધો પાડ્યો ત્યારે જૂનાગઢે એને માન પાનથી રાખ્યો છે

મેરોએ પોરબંદરના રાણાઓ માટે રાજની સરહદો ઉપર પોતાનાં માથાં વાવ્યાં છે, છતાં પોરબંદરના રાણાઓ મેરની કદર નથી કરી શકતા !

એવો મેર કાંધલજી.. જૂનાગઢનો રોટલો ખાય છે.. જૂનાગઢનો પગાર ખાય છે... પછી કયા મોઢે બોલવાનો છે કે ઢાંક જૂનાગઢને નહીં મળે !

રા’!! એ એકીનજરે કાગળ વાંચતા કાંધલજીના ચહેરાને પારખીયો

કાંધલજીનો ચહેરો અત્યારે જાણે ચહેરો ના હતો

" બરડા ડુંગર ઉપર જાણે શ્રાવણ ઝળૂંબ્યો હોય અને આખો બરડો ટહુકાઈ ઊઠે એવો ટહુકો કાંધલજીના ચહેરા ઉપર ફર ફરતો હતો..!! "

કાંધાના ચહેરા ઉપર મોરલાઓ ગહેકતા એના પાસાબંધી કેડિયા નીચે ઢંકાયેલ ઢાલ જેવી છાતી ફૂલી રહી હતી. મનોમન કાંધલજી કુમળાઈ રહ્યો હતો કે.., વાહ !! મારા રાણાબાપુ ! રંગ છે તને ! હું રાજકીય રીતે તારો વિરોધી હોવા છતાં તેં મારી ઉપર ગિરનાર જેવો ઇતબાર મૂક્યો ! જૂનાગઢના દરબારમાં તેં મને ઊજળો કરી દેખાડ્યો.

બોલો કાંધા મેર ! હવે તો ઢાંક જૂનાગઢનુંને ? તમારી જીભે જ ન્યાય છે.

કુમળાતો કાંધલજીનો ચહેરો એકાએક વેરાન બની ગયો ! કાંધલજી વિચારોની ગહ્વરોમાં ગોપાઈ ગયો ! નિર્ણયને અંકે કરવાની પળો કાતિલ બનીને કાંધા સામે ઊભી હતી..,

કાંધો મેર જો ચપટી સ્વાર્થ વાવે, તો જૂનાગઢના રાજમાં એના માટે ગુલાબોના બગીચા ખીલવાના હતા કાંધલજીની સાત પેઢી ન્યાલ થઈ જાય એવી સુવિધાઓ એની મુઠ્ઠીમાં આવીને ઊભી હતી અને કાંધો મેર બીજી ચપટી જો ટેક અને વફાદારીની વાવે.. તો જૂનાગઢના દળ કટક-હથિયારો તાણીને કાંધલજીના માથાની ઉઘરાણીએ ઊભાં હતાં.

રા' !! કહે.., "ઝટ કરો કાંધલજી ! ઢાંક જૂનાગઢને અપાવી દો...

"ના....! કાંધલજીનું માથું નકારમાં ડોલ્યું : "ઢાંક જૂનાગઢને મળે એમાં કાંધા મેરની ના છે..!! રા’!!

"શું કીધું ?

"ઢાંક તો નૈ મળે., બાપુ...

"કાંધા મેર ! ભાંગબાંગ તો નથી પીધીને ?

"ભાંગ નથી પીધી, બાપુ ! પણ મેરોની બોંતેર પેઢીની ખાનદાની પીધી છે.

કાંધલજી ખુમારીથી બોલ્યો : "પોરબંદરનો રાણો કાંધલજી મેર ઉપર ભાંખ મૂકે અને કાંધલજી ઊણો ઊતરે... તો એની સાત પેઢીને કલંક બેહે... રા’!! અમે કાંઈ આલી-બકાલી થોડા છીએ ? સુમરા શાખના શુદ્ધ રજપૂતો છીએ.

કિલ્લો તૂટે એમ રા’નો અવાજ તૂટ્યો : "કાંધા મેર ! રોટલા જૂનાગઢના ખાવા, પગાર જૂનાગઢનો લેવો અને જૂનાગઢ તરફ બેવફાઈ ?

"બાપુ ઇ તો વાંધા-વચકાને લીધે.. રા'!! બાકી પોરબંદરનો રાણો મેરોનું માથું ઉતારે તોય મેરોની વફાદારી એના ગજવામાં રહેવાની ! અમારા લોહીના કણેકણમાં પોરંબદરનું અન્ન ભર્યું છે.

" રા’!! વફાદારી તો ભાણ જેઠવાને પડખે રહેવાની ! હાંઉં ?

"કાંધા મેર ! હદ થઈ !

"હદ ગણો કે બેહદ ગણો.. રા’!! કાળા મેરનો આ કાંધો અખાજ તો નઈ ખાય...!

"અખાજ નૈ, ખાસડાં ખાશે. રા’ની આંગળીઓ ધ્રૂજી : "જૂનાગઢ સામે વેર બાંધીને કાંધો મેર ધૂળધાણી થાશે.

"ભોગવી લઈશ.. રા’!! બાકી ઢાંક તો અમારા રાણાઓની માં કહેવાય..

દીકરીનાં માગાં હોય... માં ના માગાં 'ના' હોય.... રા’!!

ઢાંક જૂનાગઢને નૈ મળે...નૈ મળે... અને નહીં જ મળે ! તમારા મેં રોટલા ખાધા છે, એના બદલામાં મારું માથું માગો, કાંધો મેરનો દીકરો હોઉં તો ઉતારી દઉં...

"કાંધા મેર! જૂનાગઢ સામે શીંગડાં માંડ્યાં છે ! તારું ગજું છે ? વિચાર કર્યો છે ?

"વિચાર તો વાણિયો વેપારી કરે.. રા’!! અમારે તો તરવાર એ જ વિચાર..

"કાંધા ! તું મારે આશરે છો એટલે લાચાર છું., નહીંતર તારા ટુકડા કરીને ગિરનારનાં ગીધડાંને ધરાવી દેત..!! પણ હવે તું જા..!! ત્રણ દિવસની મહેતલ આપું છું... ચોથે દિવસે તારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજે તારું માથું ધૂળ ચાટતું થઈ ગયું હશે.. કહીને રા’ ઊભા થઈ ગયા.

"સાંભળી લ્યો, જૂનાગઢના ધણી ! રા’ની ધમકી સાંભળીને કાંધલજી ઠેક ભરીને ઊભો થયો : "ત્રણ દિવસની મુદત શા માટે ? કાંધા મેરે મિયાન માંથી તલવાર કાઢી કચેરીમાં પાથરેલા ગાલીચા ઉપર તલવારની અણીથી પહેલો લીટો દોરીને કાંધલજીએ કીધું :

રા'!! આ પહેલો દિવસ આખી કચેરી સ્તબ્ધ બનીને જોઈ રહી.,

કાંધલજીએ બીજો લીટો દોર્યો : "આ બીજો દિવસ.., રા'!!

અને ત્રીજો લીટો દોરીને કહ્યું : "આ ત્રીજો દિવસ હાંઉ ? તમારી ત્રણે-ત્રણ દિવસની મુદત પૂરી થઈ... આવી જાવ મેદાનમાં... કાંધો લડી લેવા તૈયાર છે. કહીને કાંધલજી પટાંગણમાં ઊભો રહ્યો.

રા’ના તલવારિયા પૂતળા જેવા થઈને ખોડાઈ રહ્યા.

"કાંધા ! હવે તું અહીંથી જા... મારે તારું મોઢું નથી જોવું

રા'!! ’એ છોભીલા અવાજે કહ્યું : "તારી પીઠ બતાવ.

"ભલે...હું તો જાઉં છું રા’!!.., પણ તમારા આ રક્ષકોનું પાણી જોવાનું બાકી રહી ગયું. તલવારો બાંધનારા બધા હિંગતોળની જેમ ઊભા છો મારી સામે મેદાનમાં આવ્યા હોત, તો મજા ચખાડત.

અકાંધલજી મેરે આ રીતે જૂનાગઢ છોડ્યું. એણે ચડ્યે ઘોડે નગર પાર કર્યું પાછળ એનો ભાણેજ પણ ઘોડે ચડ્યો જૂનાગઢનો સીમાડો હજી પૂરો નહોતો થયો કે પાછળ જૂનાગઢની ફોજ ચઢી કાંધલજીએ ઘોડી દબાવી..! વંથલીના પાદરમાં જ્યારે મામો-ભાણેજ પહોંચ્યા ત્યારે એણે એક અચરજ જોયું આખું વંથલી ગામ લીલાં-પીળાં વસ્ત્રોથી જાણે રંગાઈ ગયું હતું ! ઢોલ અને શરણાઈઓનો તાસીરો બોલતો હતો ! નવસો જેટલા વરરાજાઓ વાજિંત્રોના તાલે તલવારની પટ્ટાબાજી ખેલતા-ખેલતા ઘોડા કુદાવતા હતા ! વંથલીમાં આજે નાઘોડી કોમના નવસો વરરાજા પરણવા આવ્યા હતા.

કાંધલજી મેર અને ભાણેજ એરડો ઘડીભર પોતાના ઘોડા ઊભા રાખીને મર્દાનગીની આ રમત જોઈ રહ્યા.

"ક્યાં રહેવા અસવારો ? અજાણ્યા બે ઘોડેસવારોને જોઈને થોડા નાઘોરીઓ કાંધલજી પાસે આવ્યા.

"રહેવા તો ઘણાં આઘાં. મારુ નામ કાંધો મેર...!

"ઓહોહો ! તમે જ કાંધલજી વજીર! નાઘોરીઓ રાજી થયા : "ઊતરો બાપ! આજ તો અમારા મહેમાન બનો... અમારી નવસો જાન આંહીં પરણે છે, અમારા પરોણા બનો. કાંધલજી! તમે તો અમારા મહેમાન ગણાઓ.

ભાઈઓ, અમે મહેમાન નથી, મોંકાણ છીએ... કાંધલજી કરુણ હસ્યો : "અમારી પછવાડે જૂનાગઢની ફોજ ચડી છે... માટે અમને જાવા દ્યો...

"અરે.. બોલો મા, કાંધલજી મેરને હવે જવા દઈએ ? ફોજથી કોણ ફાટી પડે છે, કાંધલજી !! રોકાઈ જાવ ! તમારી જેવો મહેમાન અમારી જાનમાં ક્યાંથી ?

"ભાઈઓ... તમારે ત્યાં લગ્ન છે, કંકુનો અવસર છે ! એવા અવસરમાં રગત (લોહી) રેડવાં ? કંકુનાં છાંટણાંમાં લોહીનાં છાંટણાં કરવાં ?

"આપણે કાંટિયા વરણને તો લોહીનાં છાંટણાં જ શોભે માટે અમે પાંચ હજાર નાઘોરીઓ છીએ, એમાં બે હજાર તો હથિયારબંધી અને નાઘોરીઓ સમ સગરાં દઈને કાંધલજી મેર અને એના ભાણેજ એરડાને ઉતારે તેડી ગયા.

નાઘોરીઓએ સંતલસ કરી કે કાંધા મેર જેવા મર્દ આદમીને જૂનાગઢના લશ્કર સામે લડવા નથી દેવો આપણો સમૂહ જ પૂરતો છે માટે કાંધલજી અને એના ભાણેજને વંથલીના દરબારગઢમાં ફોસલાવીને પૂરી દ્યો.... દરવાજા બંધ કરો. ફોજ સામે આપણે લડી લઈશું.

સરભરાને બહાને મર્દ નાઘોરીઓએ કાંધલજીએ ફોસલાવીને દરબારગઢ ના દરવાજા બંધ કરીને પૂરી દીધા એટલી વારમાં જૂનાગઢથી ફોજ વંથલીના પાદરમાં આવીને ઊભી રહી નાઘોરીઓ ફોજ સામે જઈને ઊભા રહ્યા.

"હટી જાવ! સેનાપતિએ નાઘોરીઓને ચેતવ્યા

"શા માટે! નાઘોરીઓએ તલવારો ખણખણાવી.

"અમારે કાંધા મેરનું માથું જોઈએ જૂનાગઢની આ પ્રતિજ્ઞા છે

"કાંધા મેરનું માથું મળી રહ્યું... નાઘોરીઓએ હુંકાર કર્યો.

"કાંધો મેર આજ અમારો મહેમાન છે... એનું માથું રેઢું નથી પડ્યું !

"મારો.!! ફોજના ઉપરીએ હુકમ છોડ્યો : "કાપી નાખો નાઘોરીઓને...અને રા’નું વિશાળ સૈન્ય નાઘોરીઓ પર તૂટી પડ્યું! અષાઢનું આકાશ વરસે એમ હથિયારો વરસ્યાં ! પરણેતરોને પડતી મૂકીને નવસો નાઘોરી વરરાજા મેદાને પડ્યા...! લોહીની નીકો વહી ધીંગાણાના પડકારા વંથલીના દરબારગઢની દીવાલો સુધી અથડાયા.

કાંધલજીને ધીંગાણું જામ્યાનો ખ્યાલ આવી ગયો, પણ દરવાજા બંધ હતા. મામો-ભાણેજ મોઢામાં ખુલ્લી તલવારો રાખીને કોટની દીવાલ ચડ્યા અને મેદાનમાં આવ્યા.

કાંધલજીથી આ કોપ જોયો ન ગયો નવસો વરરાજાનાં માથાંઓ વધેરાતાં હતાં. લગ્નોહયતી નાઘોરણો છાજિયાં લેતી હતી ! એના મોડિયાનાં મોતી લોહીના ખાબોચિયામાં વેરાઈ રહ્યાં હતાં એની મેંદીરંગી હથેળીઓમાં લોહીનાં ટશિયા ફૂટતા હતા !

કાંધલજીના હૈયામાંથી હાયકારો નીકળી ગયો : "કાળુ મેરના દીકરા, કાંધા! હવે તારે જીવીને શું કરવું?

જય દ્વારકાધીશ !! કાંધલજી મેરે જમણા હાથમાં તલવાર પકડીને પોતાની ગરદન પર ઘા કર્યો.

ધોળી દાઢી-મૂછનું કાંધાનું માથું પપૈયાના ઝાડ પરથી પપૈયું પડે એમ જમીન પર પડ્યું... અને કાંધાજીનું ધડ ધીંગાણે ચડ્યું વંથલીના પાદરમાં એક અનોખી ઘટના સર્જાણી ઘેટાના ટોળામાં સાવજ પડે એમ કાંધલજીનું ધડ, જૂનાણાની ફોજ ઉપર પડ્યું.

।। કાંધલજીનો દુહો ।।

"તું કાંધલજી ત્રાટક્યો, ફોજાં અંગ ફેળે
કાળુઓત મીંડો કિયો, ઘોડાં અંગ ઘેરે..!!

કાળુ મેરનો પુત્ર કાંધલજી જૂનાગઢની ફેલાયેલી ફોજમાં સિંહની જેમ પડ્યો. વીજળીનો દડો ઊછળે એમ ધીંગાણામાં ઊછળતા એરડાએ મામાની આ વીરતા જોઈને બમણા વેગથી તલવાર ચલાવી રા’નું લશ્કર ભાગેડું થયું. વંથલીથી અડધા ગાઉ સુધી લશ્કરે પીછેહઠ કરી, પરંતુ..., કાંધલજીનું ધડ સગડ છોડતું ના હતું વણમાથાનો કાંધો, લશ્કરનો સોથ વાળી રહ્યો હતો છેવટ કોઈ અનુભવીએ ગળીનો દોરો કબંધ ઉપર નાંખીને એને અભડાવ્યુ અને ધડ શાંત થઈને જમીન પર ઢળી પડ્યું. બીજી તરફ કાંધલજીનો ભાણેજ એરડો પણ શહીદીને વર્યો.

।। ભાણેજ એરડાનો દુહો ।।

"હારમિયું ઉતરિયું હરખથી, કાંધલને જોવા કાંય,
નાઘોરી વર નો’ય, અવસર વરિયો એરડો..!! "

અપ્સરાઓએ એરડા ગામના રહેવાસી, એવા દેવા કેશવાળાને વરમાળા પહેરાવી મર્દ નાઘોરીઓએ કેવળ મિત્રદાવે હજારોનાં બલિદાન આપ્યાં

કાંધજીનું માથું વંથલીના દરબારગઢે અને ધડ વંથલીના સીમાડે પડ્યું ! આજે પણ વંથલીના સીમાડે કાંધલજી મેરની ખાંભી પૂજાય છે. આ લડાઈ બાદ નાઘોરીઓ અને ઓડેદ્રા મેરો વચ્ચે લોહીભાઈનો સંબંધ ચાલ્યો આવે છે ઘટના ઈ.સ. ૪૦૦ વર્ષ પૂર્વે બની હતી.

સૌરાષ્ટ્ર રસધાર