વાંકાનેર નજીક જારીડા કરીને નાનકડું ગામ આવેલું છે. આ ગામમાં ડાંગર શાખના ધાર્મિકવૃત્તિનું એક વયસ્ક આહીર દંપતી રહેતું. પરગજુ સ્વભાવનાં પતિ-પત્ની ભુખ્યાને જમાડી જમતા, અને પારકા દુઃખે ઊભા પગે મદદ કરવામાં પાછી પાની કરતાં ન હોય દુઃખીયારાના આશ્રયદાતા ગણાતા. મોટી ઉંમર સુધી સંતાન સુખથી વંચીત આ દંપતી ગરીબ-ગુરબાને મદદ કરવા ઉપરાંત હરદમ પ્રભુ સ્મરણ કરતા હોય શેરમાટીની ખોટનું તેને જરાય દુઃખ ન હતું.

એક દિવસ આઇમાઁ ગાયું-ભેસું વગડામાં ચરાવવા ગયેલા બાપાને ભાત પહોંચાડવા શીરામણની તૈયારી કરી રહ્યા હતાં. અચાનક ફળિયામાંથી ’અલખ નિરંજન’નો અલગારી નાદ સાંભળતા ચૂલો ફૂંકી રહેલા આઇમાઁએ સાધુનો સાદ સાંભળી સીધાની થાળી લઈ બહાર આવ્યા. આઇમાઁના હાથમાં ભિક્ષા જોઇ હાથમાં દંડ-ખપ્પર લઇ ઉભેલા જોગીએ કહ્યું,

”મૈયા, હમ એ આટે કા કયા કરેંગે ?”

”અરે, બાપજી, શિરામણની વેળા છે જો થોડીવાર બેસો તો રોટલો ઘડી દઉં !” આઇમાઁએ મહાત્માજીની વાત સાંભળી પ્રેમથી કહ્યું.

”મૈયા, જૈસી તુમ્હારી મરજી !” સાધુએ આમ કહી ફળીયામાં પાથરેલા ગાય ગોરમટા ઉપર મૃગચર્મ પાથરી આસન જમાવ્યું. આઇમાઁએ ફટાફટ લોટ વાળી તાવડી જેવડો મોટો રોટલો ઘડી ઘી-ગોળ, દૂધ અને મગના શાક સાથે યોગીને ભાવથી જમવા બેસાડ્યા. મહાત્માજી અર્ધો રોટલો ખાવા આવતા આઇમાઁએ જોગીને વિનંતી કરી.

”મહાત્માજી, ઉતાવળ ન કરતા હમણા બીજો શેડવી લાવું છું !”

”મૈયા, તુમ્હારી મરજી !” સાધુએ જમતા જમતા ટૂંકો જવાબ આપતાં આઇમાઁ લોટ, પાણી અને મીઠાને કાથરોટમાં ભેળા કરી રોટલો ઘડવા બેઠા. થોડી વારમાં રોટલો તૈયાર થતાં ઘીથી તરબોળ કરી સાધુ મહાત્માને પીરસ્યો. પતિને ભાત પહોંચાડવાનું ભુલી આઇમાઁએ સાધુને બીજો રોટલો અર્ધો ખાઇ રહેવા આવતા કહ્યું.

”બાપજી નિરાંતે જમજો હો !!! હમણાં બીજો રોટલો ઉતારી આવું છું !” આટલું કહી આઇમાઁ પાછા ઉમંગથી રસોડામાં જઇ કાથરોટમાં લોટ મસળી ત્રીજો રોટલો ઘડવા બેઠાં. રોટલો ઘડી ઘીમાં બોળી પીરસવા ગયા ત્યાં સાધુ-મહાત્માજીએ કહ્યું,

“મૈયા, આધી રોટી દેના !”

આઇમાઁએ આખો રોટલો આપવાનો આગ્રહ કરવા છતાં સાધુએ અર્ધો રોટલો લઇ સંતોષથી ભોજન પુરુ કર્યુ. ભોજન કરી ઊભા થતા સાધુએ આઇમાઁને પૂછયું, “મૈયા, કિતને બચ્ચે હૈં ?”

“બાપજી, સંતાનમાં તો કંઇ નથી !” આઇમાઁએ સરળતાથી જવાબ આપ્યો.

“મૈયા, આપ ભાગ્યવાન બચ્ચે કી માઁ બનોગી, તુમ્હારા લડકા ભક્તિવાન ઔર પરોપકારી હોગા ! બસ ઐસે હી સાધુ-સંતોકી સેવા કરતે રહના !” સાધુ આટલું કહી ‘અલખ નિરંજન’નો નાદ કરતા ચાલ્યા ગયા.

સાધુના આર્શીવાદથી જારીડાના મોટી ઉંમરના આ દંપતિને ત્યાં સારા ચોઘડીએ શરીરે શુભ ચિહ્નો ધરાવતો દીકરો અવતર્યો, જેનું નામ હેતથી ‘મેરામ’ રાખવામાં આવ્યું. મેરામબાપા બાળપણથી જ સૌમ્ય સ્વભાવના. મેરામબાપાના આંખ, નાક અને મુખ જોતાં જ જોનારાનું મન પ્રફુલ્લીત થઇ જાય તેવા સુંદર. મેરામબાપા લાલ ચટ્ટાક પાતળી જીભ, દાડમની કળી જેવા સીધા દાંત, લાલાશ પડતા ધૈર્ય યુક્ત હોઠ, સ્વસ્થ ઇન્દ્રીયો ધરાવતા હતા. મેરામબાપા સ્વભાવે અહંકારરહિત, મેધાવી તર્કસ્મરણ શક્તિવાળા, ઉમદા આચાર-વિચાર ધરાવતા, વિનયશીલ, પ્રમોદરહિત, ઉદમશીલ, પરોપકારી અને માયાળું હતાં. માબાપની ઇચ્છાને વશ થઇ મેરામબાપા જળકમળવત ગૃહ જીવન જીવી રહ્યા હતાં. પોતાના પરોપકારી માબાપના પગલે મેરામબાપા પણ રસ્તે જતા સાધુ-સંતો, વટેમાર્ગુ કે ગરીબ-ગુરબાઓને ઘેર બોલાવી જમાડતા. જે દિવસે સાધુ-સંત કે અતિથિ સેવા કરવાનો મોકો ન મળતો તે દિવસે મેરામબાપાનો ઉપવાસ રહેતો. દિકરાને સત્કર્મોમાં લાગેલો જોઇ વૃદ્ધ મા-બાપ સંતોષની લાગણી અનુભવતાં વૈકુંઠવાસી થયા.

એક વખત વિરપુર જલારામ બાપાએ સાધુ-સંતોને તેડાવી મોટા ઉત્સવનું આયોજન કર્યુ હતું. વિરપુરમાં જલારામ બાપાના આમંત્રણથી અનેક સાધુભક્તો વિરપુરમાં ભેગા થયા હતાં. વિરપુરમાં દેશ-દેશાંતરના અનેક સિદ્ધ સંત-મહાત્માઓ ભેગા થતા તેના દર્શન કરવા વિશાળ માનવ મેદની ઉમટી પડી. ત્રણ દિવસના આનંદ ઉલ્લાસ વચ્ચે મેળાની પૂર્ણાહૂતી થતાં મેદની વિખરાવા લાગી. મેરામબાપા પણ પોતાના ભાણેજ મેહુરબાપા સાથે જારીડાથી આવેલા હોય સૌ સાથે ઘર તરફ પ્રયાણ કર્યુઁ.

“બાપ, મેહુર આ તારા ધાબળાના છેડે શું બાંધ્યુ છે ?”
“મામા, ઘરેથી સુખડીનું ભાતું લાવ્યા 'તા એ વધ્યું છે.”

“બાપ, સુખડી ઘરનાએ ખાવા આપી 'તી; પાછી લઇ જવા નહીં ! લે ધાબળો પાથર્ય એટલે બે-પાંચ માણસને બોલાવી ખવરાવી દઇએ !”

“ભલે મામા !”

મેહુરબાપાએ માર્ગના કિનારે ધાબળો પાથરી માણસોને સુખડી ખાવા સાદ કરતાં એક-બે કરતા સેંકડો માણસોએ ધાબળામાં પાથરેલી સુખડી ખાધી તોય એ ખૂટતી ન હતી.

મેરામ બાપાએ જારીડા ગામમાં લોકોની ધરમ પ્રત્યેની આસ્થા કેળવવા ઠાકર મંદિર બંધાવી મોટો મેળો કર્યો. એક દિવસ આ મંદિરમાં બેઠા બેઠા ઠાકરના નામની માળા ફેરવી રહેલા મેરામબાપા પાસે એક માણસે દોડતા આવી સમાચાર આપ્યા, “મેરામબાપા તમારો એકનો એક દિકરો મરણ પામ્યો હોય ઘેર આખું ગામ તમારી રાહ જોતું ઊભું છે.”

ઠાકર મંદિરમાં માળા ફેરવતાં ફેરવતાં શાંતિથી વાત સાંભળી મેરામબાપા કહેવા લાગ્યા, “હોય નહીં ? એ મને જતી જીંદગીએ એકલો મૂકીને જતો રહેશે ? !”

“બાપા, એ બધી વાત મૂકો અને ઘરે ઝટ ચાલો ! તમારા દિકરાને દેન દેવા લાકડા પણ મહાણે પહોંચી ગયા છે, તમારી કયારનીય રાહ જોવાય છે !” ઉતાવળ કરતાં આવેલ ભાઈએ કહ્યું.

“બાપ, એમ વાત હોય તો હાલ હું તારી સાથે આવીને જોવ તો ખરો કે એ ઠાંઠડીમાં કેવો લાગે છે ?” મેરામબાપુએ ઘેર જઇ જોયું તો થોડાક દિવસથી બીમાર રહેતા એકના એક દીકરાને ગૌછાણથી લીંપેલ ભોંય ઉપર સુવાડયો હતો. મોઢામાં તુલસીનું પાંદડુ અને સિક્કા સાથે માથા આગળ ઘીનો દિવો સળગી રહ્યો હતો.

આંગણામાં નનામીની તૈયાર ચાલી રહી હતી તેની નોંધ લીધા વગર મેરામબાપા પોતાના મૃત દીકરા પાસે જઇ બેઠા.

“કાં, બાપ આમ સોડ તાણીને સુતો છે ? અને આ બધું શું માંડયું છે ? આ ખાંપણ, ઠાંઠડી, નાળિયેર, ઘડો, લાડવો આ બધું કોના સારૂં ભેગું કર્યુઁ છે ?” મેરામબાપુને એકના એક દીકરાના મોતનો આધાત લાગ્યાનું માની ગામવાસીઓ સાંત્વન આપવા લાગ્યા.

“ભલા થઇ મને ન સમજાવો !” લોકોને હાથ જોડી મેરામબાપાએ કહ્યું. અને મૃતદેહનો કાન પકડી કહેવા લાગ્યા.

“તને, કંઇ શરમ છે કે નહીં ? આ મારી પુરાતન અવસ્થાનો તો જરાક વિચાર કર્ય ! હવે મારાથી સાધુ-સંતોની સેવા થતી નથી, અને તું અર્ધે રસ્તે મને રઝળતો મૂકી ચાલતો થા એટલે આ ખોરડે તો તાળા જ મારવાનાં ને ?”

મેરામબાપાના શબ્દોથી જાણે ચેતન પ્રગટ થયું હોય તેમ દીકરો ભરઊંઘમાંથી ઝબકી સફાળો ઊભો થયો. મૃતદેહને આળસ મરડી ઊભો થતો જોઇ ઠાંઠડીની તૈયારીમાં પડેલા ડાધુઓ અવાચક થઇ ગયા.

મેરામબાપાના ભાણેજ મેહુરબાપા પણ મહાન પુણ્યશાળી આત્મા હતાં. મેરામબાપાના સંસ્કારે રંગાયેલા મેહુરબાપા અવારનવાર મોલડી આપા રતાના ધામ બાવન હનુમાનજી અને કાળીયા ઠાકરની સેવા કરવા આવતા. મેરામ બાપાની જેમ મેહુરબાપાનો એક પગ મોલડીમાં 'ને બીજો જારીડામાં રહેતો.

મેરામબાપાએ જીવનલીલા સંકેલી લેતા જારીડામાં એકલા પડી ગયેલા મેહુરબાપા પોતાની ગાયો-ભેંસો સાથે મોલડીમાં રહેવા આવી ગયા. એ વખતે આપા રતાની જગ્યાના વહીવટમાં કાઠી દરબારોના અંદરોઅંદરના કજીયાના નીરાકરણ માટે સૌએ સાથે મળી મંદિરનો વહીવટ માર્ગી સાધુ મોહનદાસજીને સોંપ્યો હતો.

મોલડીમાં વસેલા મેરામબાપાના પગલે દીનદુ:ખીયાની સેવા સાથે પ્રભુભજન કરતા મેહુરબાપા હુંબલે આપારતા ભગતની મોલડીમાં વસ્યા હતા. ભક્તિના રંગે રંગાયેલા મેહુરબાપા પર મારા પિતાજી હરસુરબાપા ભગત અપાર શ્રદ્ધા ધરાવતા. મેહુરબાપા ભગતના સેવા કાર્યોમાં હરસુર ભગત મદદ કરતા. મેહુરબાપાએ મોલડીમાં આપા રતાની પવિત્ર વાવને ચુનાબંધ પથ્થરોથી બંધાવવા સાથે ગામના પાદરમાં અનેક ઝાડવા વાવવા ગામના સીમ રસ્તાઓ બાંધવા સાથે પશુ-પક્ષીઓ અને લોકો માટે તલાવડીઓ બાંધવાના પરોપકારી કામોમાં હરસુર ભગતે ખંભેખંભો મિલાવી સાથ આપ્યો હતો. એ સાથે મેહુરબાપાએ આપા રતાની વાવ મોલડીમાં સ્નાન કરી મંદિરે દર્શને આવતાં યાત્રાળુઓ અને બળદ/ઘોડાઓ માટે વિશાળ ફરજા સાથે મોટી ધરમશાળા બાંધી હતી.

મેહુરબાપા ભગતની તસવીર અહીં આપેલ છે.